બાળકોને કંઈ થશે તો વાલીઓની જવાબદારી:ગુજરાતમાં 23મીથી વાલીઓના ભરોસે ઓડ-ઇવન પદ્ધતિથી ધો.9થી 12ની સ્કૂલ ખૂલશે, સરકાર-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા
અમદાવાદ6 કલાક પહેલા
વાલીઓએ સ્કૂલને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું
કોરોના મહામારીને કારણે 8 મહિનાથી બંધ સ્કૂલો દિવાળી પછી ખોલવામાં આવશે. રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય ફરી શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ આ નિર્ણયની વિગતો આપી જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ એ આશયથી બંધ કરવામાં આવી હતી. હવે, રાજ્ય સરકાર અનલોક-5માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડલાઇન્સના અનુપાલન સાથે રાજ્યમાં સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પુન:શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સરકાર અને સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી
સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું. શિક્ષણમંત્રીના આ નિવેદનને કારણે રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.
સંચાલકો-શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કર્યોઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી મુજબ, આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દોર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. દિવાળી પછી એટલે કે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનો કેબિનેટે નિર્ણય કર્યો છે. 23મી નવેમ્બર, સોમવારથી રાજ્યના ધો-9 થી 12ના વર્ગો ભારત સરકારની SOP ગાઇડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે.
કોલેજીસ-યુનિવર્સિટીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે
શિક્ષણમંત્રીએ આગળ કહ્યું હતું કે જ્યારે કોલેજોમાં પણ 23મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરામેડિકલ વર્ગો શરૂ થશે તેમજ અંડરગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાઇનલ યરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઇનલ યર અને ITI તથા પોલિટેક્નિક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી કાર્યરત થશે.
સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
સ્કૂલ-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
ગુજરાતમાં શાળા ખોલવા વિશે સરકારની તૈયારી
- 23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ
- 23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે
- મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
- શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય
- વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે
- ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે
....... સૂત્રો
( VASAVE NITIN ) RELAX NEWS TAPI CONTACT NO.+917069995108