તાપી, તા. 21 જુલાઈ –
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ નદી, તળાવ અને જળાશય વિસ્તારોમાં સામાન્ય જનતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અગમચેતીના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય હેઠળ એવી સંભાવના છે કે વરસાદી મોસમ દરમિયાન નદીઓ અને જળાશયો ખતરનાક બની શકે છે, તેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા આ પગલાં ભરવામાં આવ્યા છે.
પ્રતિબંધગ્રસ્ત વિસ્તારોમાં વ્યારા નગરપાલિકા હસ્તકનું તળાવ, ઉકાઈ ડાબા કાંઠાની નહેર, છીંડીયા ગામની ઝાંખરી નદી, વેલ્દા ફળિયામાં અમૃતસરોવર, ચિખલી ગામની મીંઢોળા નદી અને ડેમ, વિરપુર-કાટગઢ વિસ્તારમાં મીંઢોળા નદીનો કિનારો, ચુનાવાડી પાસે ખાપરી નદી, થુટી, ઉકાઈ જળાશયના વિસ્તારો (જામકી, હરીપુર, વડદેખુર્દ), તાપી નદીના કિનારાવાળા ગામો (કણઝા, કાળાવ્યારા, બેડકુવાદુર), પદમડુંગરી પાસે અંબિકા નદીનો વિસ્તાર, વાલોડમાં વાલ્મીકી નદીનો પુલ વિસ્તાર, બાજીપુરા તથા ડોસવાડા ડેમસાઇટ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
જિલ્લા પ્રશાસને સ્પષ્ટ જણાવ્યું છે કે માછીમારી સાથે સંબંધિત વ્યાવસાયિકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી ગયું છે અને તે 19 સપ્ટેમ્બર 2025 સુધી લાગુ રહેશે. જાહેરનામાની ઉલ્લંઘના કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- માહિતી બ્યુરો, નિતીન વસાવે